Saturday, April 7, 2012

આડેધડ કામગીરી અને તંત્રની સુસ્તીના પાપે ગરીબી રેખા હેઠળ જીવતા કચ્છના ૬૦ હજાર કુટુંબો વિમા કવચથી વંચિત

આડેધડ કામગીરી અને તંત્રની સુસ્તીના પાપે
ગરીબી રેખા હેઠળ જીવતા કચ્છના ૬૦ હજાર કુટુંબો વિમા કવચથી વંચિત

ભુજ,મંગળવાર
કચ્છ જિલ્લાના ગરીબીરેખા હેઠળ જીવતા ૧ લાખ કરતા વધારે ગરીબ કુટુંબોને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના હેઠળ આપવાના થતા સ્માર્ટ કાર્ડમાંથી તંત્ર માત્ર ૪ર હજાર જેટલા જ કાર્ડ આપી શક્યું છે જેમાં રૃા.૩૦ હજાર સુધીની મેડિકલ વિમા પોલીસી આવરી લેતી યોજનાનો લાભ પ૮ ટકા ગરીબ કુટુંબોને મળી શક્યો નથી જે અંગે આરોગ્ય સમિતિના ચેરમેને કસુરવાર સામે પગલાં ભરવા સુચના આપી છે.
અંદાજે ૩૦ લાખ ગરીબોને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજનાનો લાભ નથી મળ્યો ઃ ખૂદ આરોગ્ય સમિતિના ચેરમેને વ્યક્ત કર્યો અસંતોષ
સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોના સ્વાસ્થ્ય સંબંધી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના અમલમાં મુકી છે જે અંતર્ગત આવા કુટુંબના પાંચ સભ્યોને આરોગ્ય સારવારને લગતું રૃા.૩૦ હજાર સુધીનું વિમા ક્વચ મળે છે કચ્છમાં ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોની સંખ્યા ૧૦૧૮૦૦ જેટલી છે. જેના આ યોજના અંતર્ગત સ્માર્ટ કાર્ડ બનાવવાની કામગીરી ગાંધીનગરથી ચોલા મંડલમ નામની ખાનગી સંસ્થાને આપવામાં આવી હતી જે અંતર્ગત તેણે કાર્યવાહી કરવાની થતી હતી.
ત્રણ માસની નિયત સમય મર્યાદામાં કંપનીએ મળેલા લિસ્ટ મુજબ તમામ સ્થળોએ જઈ ફોટા પાડી ત્યાં જ કાર્ડ આપી દેવાના થતા હતા. પરંતુ કંપની આ સમય મર્યાદામાં ૧.૧૮ લાખ કુટુંબના કાર્ડ બનાવી શકી નહોતી. વર્ષ-ર૦૧૧/૧ર માત્ર ૪ર૦૪ર કાર્ડ બનાવ્યા હોય અને મુદ્દત પુરી થઈ જતા પ૯૭પ૮ કુટુંબો વિમા કવચથી વંચિત રહી ગયા છે.
કંપનીની નબળી કામગીરી અને તંત્રના યોગ્ય મોનીટરીંગના અભાવે વિમા કવચથી વંચિત રહી ગયેલા કુટુંબોને હવે ચાલુ સાલે વિમા કવચ મળી શકશે નહીં. પરંતુ આવતા વર્ષે જો નસીબ હશે તો તેમનો વારો આવશે.
આ બાબતે ખૂદ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન જિલ્લા આરોગ્ય અધિકારીને સૂચના આપી જવાબદારો સામે પગલાં ભરવા જણાવ્યું છે. તો જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે બી.પી.એલ.ની જે યાદી છે તે ર૦૦૧ની છે વળી ઘણા કુટુંબો અપગ્રેડ થયા છે કોઈ સ્થળ છોડી ચાલ્યા ગયા છે જેવા વિવિધ કારણોસર કામગીરી પૂર્ણ થઈ શકી નથી.
તંત્રના દાવાની વાત કરીએ તો કંઈ એક સાથે ૬૦ હજાર જેટલા કુટુંબો અપગ્રેડ ન થયા હોય કે માઈગ્રેડ પણ ન થયા હોય ક્યાંક ચોક્કસ કામગીરીમાં કચાશ રહી છે તે બાબત ઉડીને આંખે વળગે છે ત્યારે આ બાબતે તંત્રએ જવાબદારો સામે ચોક્કસપણે પગલાં ભરવા ઘટે.

No comments: